(Source: ECI/ABP News/ABP Majha)
Ruchi Soya: રુચિ સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ રાખવામાં આવશે, કંપનીના બોર્ડે આપી મંજૂરી, સ્ટોકમાં જોરદાર ઉછાળો
એફપીઓમાંથી એકત્ર કરાયેલા નાણાં સાથે કંપનીએ તેના દેવાની પતાવટ કરી છે. શુક્રવારે જ રુચિ સોયાના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણએ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 2925 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો
Ruchi Soya Share Update: બાબા રામદેવની કંપની Ruchi Soya Industries Ltdનું નામ ટૂંક સમયમાં બદલાવા જઈ રહ્યું છે. રુચિ સોયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ રાખવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં અરજી કરી છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નિર્ણય વિશે જાણ કરી છે.
કંપનીની બોર્ડ મીટિંગ 10મી એપ્રિલના રોજ યોજાઈ હતી જેમાં ડિરેક્ટરોએ પતંજલિ આયુર્વેદ લિમિટેડના ફૂડ પોર્ટફોલિયો સાથે સિનર્જી વધારવાની સૌથી કાર્યક્ષમ રીતનું મૂલ્યાંકન કરવા માટે તેમની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. રુચિ સોયાએ કંપનીના અધિકારીઓને સૂચિત ટ્રાન્ઝેક્શનના નિયમો અને શરતોને વાટાઘાટ કરવા, અંતિમ સ્વરૂપ આપવા, એક્ઝિક્યુટ કરવા અને પહોંચાડવા માટે પણ અધિકૃત કર્યા છે.
આ સમાચાર સામે આવ્યા બાદ રુચી સોયાના સ્ટોકમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર 5.24 ટકાના વધારા સાથે રૂ. 972 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સવારે ટ્રેડિંગની શરૂઆતમાં શેર રૂ. 969 પર ખૂલ્યો હતો અને રૂ. 999.45ના સર્વોચ્ચ સ્તરે ગયો હતો. ઉલ્લેખનીય છે કે રૂચી સોયા 650 રૂપિયાની કિંમતે FPO (ફોલો ઓન પબ્લિક ઑફરિંગ) લાવી હતી. તે સ્તરે, રૂચી સોયાના શેરે તેના રોકાણકારોને 49 ટકા વળતર આપ્યું છે.
નોંધનીય છે કે, એફપીઓમાંથી એકત્ર કરાયેલા નાણાં સાથે કંપનીએ તેના દેવાની પતાવટ કરી છે, જેના વિશે કંપનીએ પહેલેથી જ કહ્યું હતું. શુક્રવારે જ રુચિ સોયાના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણએ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 2925 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો અને આ સાથે જ રુચિ સોયા દેવું મુક્ત કંપની બની ગઈ છે.
ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને ક્યારે નાણાંનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.)