Kirloskar Motor : ટાટાની વહુએ સંભાળી કમાન અને કરી બતાવી કમાલ, દુનિયા જોતી રહી ગઈ
ગયા વર્ષ દરમિયાનનું વેચાણ છેલ્લા દાયકામાં કંપનીનું સૌથી વધુ હોલસેલ વેચાણ હતું. આ કમાલ માનસી ટાટાએ કરી બતાવી છે.
Toyota Kirloskar Motor : વાહન ઉત્પાદક ટોયોટા કિર્લોસ્કર મોટરે વર્ષ 2022માં કમાલ કરી બતાવી છે. વર્ષ 2022માં કંપનીએ છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ હોલસેલ વેચાણ નોંધાવ્યું હતું. કેલેન્ડર વર્ષ 2022માં કંપનીએ કુલ 1,60,357 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કેલેન્ડર વર્ષ 2021માં વેચાયેલા 1,30,768 યુનિટ કરતાં આ સંખ્યા 23 ટકા વધુ છે. આમ ગયા વર્ષ દરમિયાનનું વેચાણ છેલ્લા દાયકામાં કંપનીનું સૌથી વધુ હોલસેલ વેચાણ હતું. આ કમાલ માનસી ટાટાએ કરી બતાવી છે.
કંપનીએ જણાવ્યું હતું કે, અગાઉ તેણે 2012માં કુલ 1,72,241 એકમો સાથે વધુ વેચાણ હાંસલ કર્યું હતું. જોકે, ડિસેમ્બર 2022માં TKMનું જથ્થાબંધ વેચાણ 3.8 ટકા ઘટીને 10,421 યુનિટ થયું હતું. રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપતા TKMએ જણાવ્યું હતું કે કંપનીએ ડિસેમ્બર 2021માં ડીલરોને 10,834 યુનિટ્સની ડિલિવરી કરી હતી.
માંગમાં સારો એવો વધારો
TKMના એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક માર્કેટિંગ અતુલ સૂદે જણાવ્યું હતું કે, ગત વર્ષ વેચાણ પ્રદર્શન તેમજ અર્બન ક્રુઝર હાઈરાઈડર અને ઈનોવા હાઈક્રોસ જેવી નવી પ્રોડક્ટ્સના લોન્ચિંગની દ્રષ્ટિએ કંપની માટે 'જબરદસ્ત' રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બંને નવા મોડલને ગ્રાહકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અમે માંગમાં તેજી જોઈ રહ્યા છીએ. અમે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પણ અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી પાસે આ વર્ષની શરૂઆતમાં કેટલાક અન્ય લોન્ચ પણ છે. જેમાં નવી ગ્લાન્ઝાનો પણ સમાવેશ થાય છે. તેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. TKM ના ફ્લેગશિપ મોડલ્સ જેમ કે ફોર્ચ્યુનર, લિજેન્ડર, કેમરી અને વેલફાયર પોતપોતાના સેગમેન્ટમાં આઉટપરફોર્મ કરવાનું યથાવત રાખશે.
ટાટાની પુત્રવધૂએ જવાબદારી સંભાળી
વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ બાદ કિર્લોસ્કર જૂથે કંપનીની કમાન માનસી ટાટાને સોંપી હતી. માનસીને કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચરના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બર 2022માં નિધન થયું હતું. ત્યાર બાદ તેમની એકમાત્ર સંતાન માનસી કંપનીનું કામકાજ જોઈ રહી છે. માનસી ટાટા હવે ટોયોટા એન્જિન ઈન્ડિયા લિમિટેડ (TIEI), કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ (KTTM), ટોયોટા મટિરિયલ હેન્ડલિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (TMHIN) અને Daeno Kirloskar Industries Pvt Ltd (DNKI)નું નેતૃત્વ કરી રહી છે.
32 વર્ષની માનસી ટાટા
32 વર્ષની માનસીએ યુએસની રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે પિતાને કંપનીમાં મદદ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2019માં તેમણે નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા હતાં. નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. બિઝનેસ ઉપરાંત માનસીને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ છે. તેમણે 13 વર્ષની ઉંમરે તેનું પ્રથમ પ્રદર્શન યોજ્યું હતું. ટાટા પરિવારની પુત્રવધૂ હોવા છતાં સાવ લો પ્રોફાઇલ જીવન જીવે છે.