
Vibrant Gujarat Summit: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન, 140થી વધુ દેશોના 61 હજારથી વધુ ડેલિગેટ્સ થયા સહભાગી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સંપન્ન થયેલી સમિટને સફળ ગણાવતા અમિત શાહે કહ્યું કે, આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટ-વે ગુજરાત બન્યું છે. ૪ રાજ્યોના હેડ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ અને ૧૬ કન્ટ્રી પાર્ટનર્સની સહભાગિતા એ સ્વયં એક સફળ ગાથા છે.

Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાનો મહત્મા મંદિર, ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહમાં સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે ભૌતિક રીતે સમાપન થયું છે, પરંતુ આ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું અદભુત સશક્તીકરણ પણ થયું છે. વર્ષ ૨૦૦૩માં પ્રથમ સમિટ યોજાઈ હતી, આજે તેમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. એક અર્થમાં જોઇએ તો આ એક યુગ પરિવર્તનની શરૂઆત છે. આજે ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
#VGGS2024 ના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમાપન સમારોહની એક ઝલક. pic.twitter.com/av715qv7yv
— CMO Gujarat (@CMOGuj) January 12, 2024
આજે ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, સ્વામી વિવેકાનંદના સામર્થ્ય અને સંકલ્પને સાકાર કરીને ભારત આજે વિશ્વમાં અનેક નવા આયામો સાથે આત્મવિશ્વાસપૂર્વક ઊભરી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા અને ઇનોવેશનના પ્લેટફોર્મ તરીકે પુરવાર થયું છે, એટલું જ નહીં ગુજરાતે વૈશ્વિક રોકાણોને પરિણામલક્ષી રીતે ધરતી પર ઉતાર્યાં છે. ગુજરાતની આ સફળ સમિટના આયોજનનું દેશનાં અનેક રાજ્યો અનુકરણ કરી રહ્યાં છે. આ પથ પર ચાલતા વિવિધ રાજ્યો અને તેના પગલે દેશ નવા સીમાચિહ્નો સાકાર કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સંપન્ન થયેલી સમિટને સફળ ગણાવતા અમિત શાહે કહ્યું કે, આ સમિટના પગલે વિકસિત ભારતનો ગેટ-વે ગુજરાત બન્યું છે. ૪ રાજ્યોના હેડ, ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ અને ૧૬ કન્ટ્રી પાર્ટનર્સની સહભાગિતા એ સ્વયં એક સફળ ગાથા છે. નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં ગિફ્ટ સિટીનો મૂકેલો વિચાર આજે વટ વૃક્ષ બન્યો છે, એ જ રીતે ધોલેરા સર (SIR)ની શરૂઆત થઈ ત્યારે ટીકાકારો ટીકા કરતા હતા પરંતુ આજે પરિણામ આપણી સામે છે. માંડલ બેચરાજી આજે ઓટો હબ તરીકે ઉભર્યું છે તો દહેજમાં પેટ્રોકેમિકલ, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, વડોદરામાં બાયો ટેકનોલોજી પાર્કના નિર્માણના પગલે ગુજરાતમાં રોકાણોની સંભાવના વધી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ફ્યુચરિસ્ટિક ઇકોનોમીમાં દેશ આજે અગ્રેસર છે. સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બાયોફ્યુઅલ જેવાં નવાં ઊભરતાં ક્ષેત્રોમાં ભારત આજે પાયોનિયર બન્યું છે. ગુજરાતમાં આ પોલિસીને પરિણામલક્ષી અને જમીન પર ઉતારવાનું શ્રેય ગુજરાતની રાજ્ય સરકારને જાય છે. આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ એમ બંને ક્ષેત્રોમાં ભારત અગ્રેસર બને તેવી પોલિસી બની છે તેના પગલે ભારત વિશ્વનું શિક્ષણ હબ બનવા સમર્થ બન્યું છે. આ જ રીતે ઈલેક્ટ્રિક વિહિકલ,ગ્રીન રોડ સ્ટ્રેટેજી ક્ષેત્રે પણ આપણે અગ્રેસર છીએ. ગ્રીન હાઈડ્રોજન મિશન પણ આપણે આગળ વધારી રહ્યા છીએ. સ્પેસ સેક્ટરમાં એક સમયે ૯ બિલિયન ડોલરનું રોકાણ હતું જે ૨૦૪૦ સુધીમાં ૪૦ બિલિયન ડોલર સુધી પહોંચવાના પ્રયાસો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીના સમાપન અવસરે ગૌરવસહ કહ્યું કે, સફળતાપૂર્વક સંપન્ન થયેલી અમૃતકાળની આ પહેલી સમિટ દેશ અને દુનિયાની બિઝનેસ કમ્યુનિટી, થોટ લીડર્સ, પોલિસી મેકર્સ માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું સામુહિક કેન્દ્ર બની છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાયેલી આ સમિટ નવા યુગના ઊભરતા સેક્ટર્સ જેવા કે સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇ.વી., એરોસ્પેસ અને ડિફેન્સ ઇક્વીપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ માટે ઉદ્દીપક બની છે.
કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાને વિકાસનાં નવા અધ્યાયરૂપ ગણાવી ગુજરાત તેની વિકાસની તમામ સીમાઓને ઓળંગીને શ્રેષ્ઠ રાજ્ય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. મંત્રી રૂપાલાએ સમિટમાં જમ્મુ -કાશ્મીરનાં પ્રતિનિધિત્વને મોટી સફળતા ગણાવી હતી અને ઉમેર્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના સોનેરી ભવિષ્યનો દરવાજો ખોલવાનો શ્રેષ્ઠતમ પુરુષાર્થ છે. ગુજરાતની વાઇબ્રન્ટ સમિટની સફળતામાં સહભાગી થયેલા ઉદ્યોગકારો અને દેશ-વિદેશના પ્રતિનિધિઓએ ગુજરાતની શાંતિ-સલામતી અને રાજ્ય સરકારના બિઝનેસ ફ્રેન્ડલી અભિગમમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ ગુજરાત રાજ્ય રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે.
જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહા
જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોકાણકારો અને ઉદ્યોગજગત માટે એક મજબુત પ્લૅટફૉર્મ બન્યું છે. ભારત અને દુનિયાભરના ઉદ્યોગ જગતના આગેવાનો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આતુરતાપૂર્વક રાહ જુએ છે. દેશના અલગ-અલગ ભાગોમાં રોકાણની નવી સંભાવનાઓના સર્જન અને ઉદ્યોગોના વિકાસનો માર્ગ વાઇબ્રન્ટ ગુજરાત સમિટે પ્રશસ્ત કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં આવેલા હકારાત્મક પરિવર્તન, વિકાસની વાત કરતા જણાવ્યું કે રાજ્યની નવી ઉદ્યોગનીતિના પરિણામે રાજ્યમાં ટૂંક સમયમાં રૂ. ૯૦,૦૦૦ કરોડનું રોકાણ આવ્યું છે અને આજે સમિટમાં જમ્મુ અને કાશ્મીરના ઉદ્યોગ વિભાગ અને રોકાણકારો વચ્ચે રૂ. ૩૦૦૦ કરોડથી વધુ રકમના એમઓયુ થયા છે.
વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર શ્રીયુત ઓગસ્તે તાનો કોમે
વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર શ્રીયુત ઓગસ્તે તાનો કોમેએ તેમના વક્તવ્યમાં વાઇબ્રન્ટ સમિટની સફળતાને ગુજરાત ઇઝ ધ મીટીંગ પોઇન્ટ ઓફ ધ વર્લ્ડ શબ્દો દ્વારા પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત ભારતનું અગ્રણી રાજ્ય છે એટલું જ નહીં,ગુજરાત લીડર છે અને ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે અગ્રેસર છે. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ભારત વિશ્વની સૌથી મોટી વિકસતી અર્થવ્યવસ્થા છે. ગુજરાત પાસે તકો છે,ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ ઝડપથી વિકસી રહ્યું છે. ગુજરાત આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપીને નેતૃત્વ કરશે.
ટોરેન્ટ ગ્રુપના ચેરપર્સન સુધીર મહેતાએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે રીતે વિકાસ પામી છે,તેના ભાગ બનવું અને તેના સાક્ષી બનવું એ ખૂબ જ ગર્વની વાત છે તેમ જણાવી સમિટને ગ્લોબલ બિઝનેસ કેલેન્ડરમાં એક મોટી ઘટના ગણાવી હતી. ગુજરાતે ઓક્ટ્રોયની નાબૂદી અને કો-ઓપરેટિવ સેક્ટરનું પુનરૂત્થાન જેવી ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ પહેલો અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઘણી પ્રગતિશીલ પોલિસીઓ ઘડી છે અને રોકાણો આકર્ષિત કરવા માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને સંસ્થાકીય સ્વરૂપ આપ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે ટોરેન્ટ ગ્રુપ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. ટોરેન્ટ ગ્રુપે ગુજરાત સરકાર સાથે ₹ 48,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
વેલસ્પન ગ્રુપના ચેરમેન બી.કે. ગોએન્કાએ સમિટના સફળ આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવી વેલસ્પન ગ્રુપ શરૂઆતથી જ વાયબ્રન્ટ ગુજરાતનો ભાગ રહ્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, વડાપ્રધાનએ વર્ષો પહેલા આ સમિટનું જે બીજ વાવ્યું હતું, તે આજે વટવૃક્ષ બન્યું છે, તેના પરિણામો આજે આપણે સહુ જોઇ રહ્યા છીએ. આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ મોટા સપના જોવાની અને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવાની તક પુરી પાડે છે. ગોએન્કાએ આ તકે ગ્રીન એનર્જી અને પ્લાસ્ટિક ક્ષેત્રે રૂ. 40,000 કરોડથી વધુના મૂલ્યના એમઓયુ પર હસ્તાક્ષર કર્યાની માહિતી આપી હતી.
સમિટના સમાપન પ્રસંગે ઝાયડસ લાઇફ સાયન્સીસના ચેરમેન પંકજ પટેલે જણાવ્યુ હતુ કે,20 વર્ષ પહેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક સ્વપ્ન હતું, જે આજે રાજ્ય અને દેશની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ સોપાન સાબિત થઇ છે. બે દાયકામાં આ સમિટ વિકાસ અને રોજગાર સર્જન માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની ગઇ છે જ્યાં વૈશ્વિક સંસ્થાઓ, વ્યૂહરચના ઘડનારાઓ, ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બની છે. તેમણે જણાવ્યુ હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટે ફક્ત રાષ્ટ્રીય જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે, ગુજરાતને એક પસંદગીના રોકાણ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે માધ્યમ પૂરું પાડ્યું છે અને પ્રતિષ્ઠા ઊભી કરી છે. ગુજરાતી હોવાનો ગર્વ વ્યક્ત કરતા પંકજ પટેલે ઝાયડસ ગ્રુપે બાયોટેક ઉત્પાદનો, હોસ્પિટલ અને હેલ્થકેર તેમજ તબીબી ઉપકરણો ક્ષેત્રે ₹5000 કરોડના એમઓયુ કર્યા હોવાનું પણ જણાવ્યુ હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના સમાપન સમારંભના પ્રારંભમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે ૧૦મી વાઇબ્રન્ટ સમિટની નોંધપાત્ર બાબતો પર પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમૃત કાળની આ પ્રથમ સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. જેમાં યુએઈ, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્ટે એમ ચાર દેશોના વડાઓ, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત ૪૦થી વધારે મંત્રીઓ, ૧૪૦થી વધુ દેશોના ૬૧,૦૦૦થી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા. આ સમિટમાં કુલ ૧,૩૧,૯૪૩ રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં ૩૫૯૦ વિદેશી પ્રતિનિધિઓ હતા. હૈદરે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ અંતર્ગત ૧૫૦થી વધારે સેમિનાર અને કાર્યક્રમો યોજાયા હતા. જી-૨૦ની તમામ થીમને આવરી લેવામાં આવી હોવાનું જણાવી શ્રી હૈદરે ઉમેર્યું હતું કે આ સમિટમાં ગ્રીન એમઓયુ પર ફોકસ કરવામાં આવ્યું હતું અને રિન્યુએબલ એનર્જી, ઈવી, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર વગેરે પર વિશેષ સેમિનાર યોજવામાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

