Gandhinagar: રાજ્યમાં એક જ દિવસમાં 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવી 313 કરોડથી વધુની સહાય
નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુંથી કાર્યરત કરી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૩૧૩ કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયેની રકમ સિંગલ ક્લિક દ્વારા DBT થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી.
નમો લક્ષ્મી યોજના
નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકારે ધો.૯થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુંથી કાર્યરત કરી છે. આ અંતર્ગત ધો.૯-૧૦ માટે વિદ્યાર્થિની દીઠ વાર્ષિક રૂ.૧૦ હજાર તથા ધો.૧૨-૧૨ માટે વાર્ષિક રૂ.૧૫ હજારની સહાય આપવામાં આવે છે.આ યોજના અન્વયે મુખ્યમંત્રીના હસ્તે ગુરૂવારે ૧૦.૭૦ લાખ કન્યા છાત્રાઓને રૂ.૨૦૩ કરોડ સિંગલ ક્લિક દ્વારા DBT થી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા છે.
આ યોજના અમલી થયા પછી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાજરી આપતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીના કરવામાં આવતાં મોનિટરિંગ અનુસાર જૂન-૨૦૨૪માં શૈક્ષણિક સત્ર શરૂ થયા પછીના ફક્ત ૬ મહિનામાં જ વર્ગખંડોમાં ૮૦-૧૦૦% હાજરી આપનારી કન્યાઓની સંખ્યા ૨૩%થી વધીને ૪૮% થઈ છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
ધોરણ ૧૦ પાસ કર્યા પછી રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧-૧૨ માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી.આ યોજના હેઠળ ધો. ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ રૂ.૨૫ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
ગુરૂવારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો વિજ્ઞાન પ્રવાહના ૧.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓને રૂ. ૫૧ કરોડની સહાય સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છે. જૂન-૨૦૨૪માં શૈક્ષણિક સત્ર શરૂ થયા પછીના ફક્ત ૬ જ મહિનામાં, એટલે કે ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગખંડોમાં ૮૦થી ૧૦૦% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮%થી વધીને ૪૪% થઈ છે. એટલે કે, શાળાઓમાં વધુ હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૫%નો વધારો નોંધાયો છે.
ગુજરાત સેમિકંડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો.૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
આ ઉપરાંત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અને ‘મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના’ અમલમાં મુકવામાં આવી છે.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના
આ યોજના અન્વયે ધો.૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા અને RTE અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા રાજ્યના ૨૫ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અન્વયે ગુરૂવાર તા.૨૭ ફેબ્રુઆરીના ૫૦ હજાર વિદ્યાર્થીઓને કુલ રૂ. ૩૩ કરોડથી વધુની સ્કોલરશીપ ચુકવવામાં આવી છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
ધો. ૧ થી ૫ માં સળંગ અભ્યાસ કરી ધો.૫ નો અભ્યાસ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત શાળાઓમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ૬૦ હજાર વિદ્યાર્થીઓને રૂ. ૨૬ કરોડથી વધુની સ્કોલરશીપ ગુરૂવારે ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમથી એનાયત કરી હતી. આમ મુખ્યમંત્રીએ સમગ્રતયા એક જ દિવસમાં એકસાથે રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૩૧૩ કરોડથી વધુની સહાય DBTથી ચૂકવી હતી.
આ પણ વાંચો...
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
