ગુજરાતમાંથી જીરું, મરચાં સહિતના મસાલાની નિકાસ વધે તે માટે ઇગ્લેન્ડની ટીમ આપશે માર્ગદર્શન
Spices Exports News: લાંબા સમય સુધી ગોડાઉનમાં પડી રહેવાના કારણે તેને ફેંકી દેવાની નોબત આવે છે. આ સ્થિતિમાં ભારતીય નિકાસકારોને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે

Spices Exports News: મસાલાનું ઉત્પાદન અને નિકાસ કરતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. મસાલાની ગુણવત્તા સુધરે અને તેની નિકાસ વધે તે માટે ઈન્ડો-બ્રિટિશ ટ્રેડ કાઉન્સિલ તરફથી એક વેબિનાર યોજાયો. જેમાં ગુજરાતના સહિત દેશભરના મસાલાના નિકાસકારોએ ભાગ લીધો. આગામી સમયમાં મસાલાનું ઉપ્તાદન કરતા ખેડૂતોને માર્ગદર્શન આપવા બ્રિટનના નિષ્ણાતોની ટીમ ગુજરાત આવે તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત રાજ્યભરમાંથી જીરું, હળદર, મરી, મરચાં અને હિંગ જેવા મુખ્ય મસાલા મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે. ખાદ્યપદાર્થોના નિયમન બાબતે વિદેશમાં કડક ધારાધોરણો છે. અમુકવાર એવું બને છે કે, ભારતીય મસાલા ઇગ્લેન્ડની સરકારે બનાવેલા ક્વોલિટી અને સેફ્ટીના માપદંડોને અનુરૂપ હોતા નથી. પરિણામે પોર્ટ એટલે કે બંદર પર જ મસાલાને નકારી દેવામાં આવે છે. લાંબા સમય સુધી ગોડાઉનમાં પડી રહેવાના કારણે તેને ફેંકી દેવાની નોબત આવે છે. આ સ્થિતિમાં ભારતીય નિકાસકારોને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. નિકાસકારોને થતું આ નુકસાન અટકે તેમજ ખેડૂતોએ પોતાના પરસેવાથી પકવેલા મસાલા ગુણવત્તા જળવાઇ રહે તે માટે ઇન્ડો બ્રિટીશ ટ્રેડ કાઉન્સિલે કમર કસી છે. મસાલાના ઉત્પાદકો અને નિકાસકારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ઈન્ડો-બ્રિટિશ ટ્રેડ કાઉન્સિલ તરફથી એક વેબિનાર યોજવામાં આવ્યો.
જેમાં બ્રિટનની ડી મોનફોર્ટ યુનિવર્સિટીના ડૉ. ટિઝિયાના સ્ગામા, વિરાણી ફૂડના ડિરેક્ટર મિલન શાહ, યૂકેના ફૂડ સેફ્ટીના અધિકારી ડેવિડ લોએ અને યૂકેની કિલ યુનિવર્સિટીના પ્રોફેસર સમીર દાણી સહિતના નિષ્ણાતો જોડાયા. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના મસાલાના નિકાસકારોએ ચર્ચામાં ભાગ લીધો. ખેડૂતોના ખેતરથી લઇ પોર્ટ સુધી અને ત્યાંથી વિદેશના સુપરમાર્કેટમાં મસાલા પહોંચે ત્યાં સુધી શું ધ્યાન રાખવું જોઇએ તે વિશે ચર્ચા કરવામાં આવી. હવે બંને દેશના પ્રતિનિધિમંડળ એકબીજા દેશોની મુલાકાત લેશે. બ્રિટનથી મસાલાના આયાતકારો તેમજ નિષ્ણાતોની ટીમ ભારત આવશે. જીરું અને મરચાં સહિતના મસાલાનું ઉત્પાદન કરતાં ગુજરાતના ખેડૂતોને પણ મળે તેવી પણ શક્યતા છે. આગામી સમયમાં મસાલાની ચકાસણી માટે ડિજિટલ હબ તૈયાર કરવા ઈન્ડો-બ્રિટિશ ટ્રેડ કાઉન્સિલ દ્વારા નિર્ણય કરાયો છે. આ કવાયતના કારણે મસાલાની ગુણવત્તા વધશે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.
ભારત અને યૂકે વચ્ચે મસાલાનો 45 બિલિયન ડોલરનો વેપાર
45 બિલિયન ડોલરની કિંમતના મસાલાની દર વર્ષે ઇગ્લેન્ડમાં નિકાસ થાય છે. 2024-25 સુધીમાં, વાર્ષિક ધોરણે, ભારત વિશ્વભરમાં 200 સ્થળોએ 45 અબજ યુએસ ડોલરના મસાલા નિકાસ કર્યા છે. 2023-24માં 127 મિલિયન યુએસ ડોલરના ભારતીય મસાલાના મૂલ્યની દ્રષ્ટિએ યુકે સાતમા ક્રમે સૌથી મોટો આયાતકાર હતો. મસાલાની નિકાસમાં ચીન ટોચના સ્થાને છે, ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા અને બાંગ્લાદેશ આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
