ઉત્તર ગુજરાતના નાગરિકોને મળશે મોટી ભેટ, આ શહેરમાં બનશે એરપોર્ટ, સરકારે આપી માહિતી
ગાંધીનગર: ઉત્તર ગુજરાતીઓની સુવિધા માટે સિદ્ધપુરમાં એરપોર્ટ બનાવવાની કવાયત સરકાર દ્વારા શરૂ કરાઇ છે. આ માટે જમીનના સર્વેની કામગીરી ચાલી રહી છે. વિધાનસભા સત્રમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલમાં સરકારે આ ઉત્તર આપ્યો હતો.

ગાંધીનગર: વિધાનસભામાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલ પર સરકારે માહિતી આપતા જાહેરાત કરી કે, ઉત્તર ગુજરાતના લોકોને એરપોર્ટની ભેટ મળશે તે નિશ્ચિત છે. આ માટે સિદ્ધુપુર અને વડનગર ખાતે અનુકૂળ જમીન શોધવાનું કામ શરુ થઇ ગયું છે. જમીન મળતાની સાથે એરપોર્ટના નિર્માણની કામગીરી થઇ જશે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે 2023માં સિધ્ધપુર તાલુકાના દેથળી ગામમાં હોમિયોપેથી કોલેજની પાછળની તરફ સરવે નંબર 8 માં જે સરકારી પડતર જમીન છે તેમાં સિવિલ એવિએશનની ટીમ અમદાવાદથી તથા સિધ્ધપુર પ્રાંત કચેરીનો સ્ટાફ તેમજ પાટણ જિલ્લાથી જમીન માપણી વિભાગ અધિકારીઓ સંકલિત થઈ જે પ્રસ્થાપિત એરપોર્ટ બનવાનું છે તેના માટે પ્રિ ફિઝિબિલિટી ટેસ્ટ કર્યો હતો જેમાં સર્વે નંબર 8 માં આવતી કેટલીક જમીનોની રૂબરૂ મુલાકાત કરી જમીનની ક્ષમતા અને ઉપલબ્ધતા વિશે સમજ મેળવી હતી.ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વિમાની મથકો-એરપોર્ટના વિકાસ માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. આ MoU અનુસાર ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા MoUની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં ૧૦ સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. હાલમાં નર્મદા જિલ્લાના તિલકવાડા, સિદ્ધપુર અને વડનગરમાં પ્રિફિઝિબિલિટીની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
