વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
સુરક્ષા સેતુ સોસાયટી અને વડોદરા ગ્રામ્ય પોલીસનું સંવેદનાસભર અભિયાન: ગરીબ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ.

Vadodara police women empowerment initiative: વડોદરા ગ્રામ્ય પોલીસે એક પ્રેરણાદાયી અને માનવીય અભિગમ અપનાવીને દારૂ વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલી મહિલાઓને મદદ કરવાનો સંકલ્પ કર્યો છે. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગની લગભગ 300 જેટલી મહિલાઓ, જેઓ મજબૂરીમાં દારૂ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓને હવે પોલીસ દ્વારા મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે અને આર્થિક રીતે પગભર બનાવવામાં આવશે. સુરક્ષા સેતુ સોસાયટી અને વડોદરા ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઉપક્રમે આ સંવેદનાસભર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશન પણ સહયોગ આપી રહ્યું છે.
વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ થયું છે. પોલીસ દ્વારા દારૂના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે નિયમિત કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે દેશી દારૂના હાટડા પર રેડ પાડવામાં આવે છે, ત્યારે મોટાભાગના કેસોમાં મહિલાઓ સંડોવાયેલી જોવા મળે છે. પોલીસનું માનવું છે કે માત્ર કાયદાકીય કાર્યવાહી કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ નથી. તેથી, જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ મહિલાઓને દારૂ વેચાણની પ્રવૃત્તિમાંથી કાયમી રીતે બહાર કાઢવા માટે એક સર્વેક્ષણ કરાવ્યું હતું. આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ એવી મહિલાઓને ઓળખવાનો હતો કે જેઓ આર્થિક અને સામાજિક મજબૂરીના કારણે દારૂ વેચવામાં સંકળાયેલી છે, અને તેઓને વૈકલ્પિક રોજગારી પૂરી પાડીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો.
પોલીસના સર્વેક્ષણમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. જાણવા મળ્યું કે દારૂ વેચતી મહિલાઓમાંથી 40 ટકા વિધવા છે, અને પતિના મૃત્યુ પછી તેઓ આર્થિક સંકડામણમાં મુકાઈ ગઈ હતી. અન્ય મહિલાઓ એવી હતી જેમના પતિએ તેમને તરછોડી દીધા હતા અથવા તેઓ વિકલાંગ હતા, જેના કારણે મહિલાઓ પાસે દારૂ વેચવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે મહિલાઓ ઘરે રહીને જ કામ કરવા માંગતી હતી અને દારૂ વેચવાના કામમાં શારીરિક મહેનત ઓછી હોવાથી તેઓ આ પ્રવૃત્તિમાં જોડાઈ હતી.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય પોલીસે એક ખાસ યોજના બનાવી છે. આ યોજના હેઠળ દારૂ વેચતી મહિલાઓને બ્યુટી પાર્લર કામની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ તેઓને બ્યુટી પાર્લર શરૂ કરવા માટે જરૂરી સાધન સામગ્રીની કીટ પણ આપવામાં આવશે. આ તાલીમ અને કીટ સંપૂર્ણપણે નિઃશુલ્ક હશે. પોલીસના સહયોગથી તબક્કાવાર આ તમામ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે, જેથી તેઓ સ્વમાનભેર જીવન જીવી શકે અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે.
પ્રથમ તબક્કામાં 300 મહિલાઓને આ અભિયાનમાં આવરી લેવામાં આવી છે. જેમાં પાદરા પોલીસ સ્ટેશનમાં 29, વડુમાં 28, વરણામામાં 25, વડોદરા તાલુકામાં 32, સાવલીમાં 13, ભાદરવામાં 10, મંજૂસરમાં 47, ડેસરમાં 22, ડભોઇમાં 50, વાઘોડિયામાં 30, કરજણમાં 79, શિનોરમાં 37, ચાણોદમાં 23 અને જરોદમાં 11 મહિલાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો.....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
