Team India Coach: કોને બનાવવો જોઈએ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ? પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ આપ્યા આ બે નામ
Team India Coach: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ગૌતમ ગંભીરને મુખ્ય કોચ બનાવવાના વિચારને સમર્થન આપ્યું હતું. આ સિવાય તેણે બોલિંગ કોચના પદ માટે પણ બે નામ આપ્યા છે.
Team India Coach: ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે ગૌતમ ગંભીર(Gautam Gambhir)ના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, મુખ્ય કોચ પદ માટે ગૌતમ ગંભીર અને ડબલ્યુવી રમનનો પ્રથમ રાઉન્ડનો ઇન્ટરવ્યુ પણ યોજાયો હતો. જો કે ઇન્ટરવ્યુનો હજુ એક રાઉન્ડ બાકી છે, પરંતુ ગંભીર ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ બનશે તે લગભગ નિશ્ચિત જણાય છે. જો ગંભીર કોચ બનશે તો પણ તેને કોચિંગ સ્ટાફની જરૂર પડશે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર કામરાન અકમલ(Kamran Akmal)એ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે બોલિંગ કોચ માટે ટીમ ઈન્ડિયાએ કોની તરફ વળવું જોઈએ.
આશિષ નેહરા કે ઝહીર ખાન
કામરાન અકમલે કહ્યું, ગૌતમ ગંભીર ખૂબ સારી રીતે પ્લાન કરે છે અને તેને ક્રિકેટની સારી સમજ છે. મેં તેની સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે અને ઘણા સમયથી એકબીજાને ઓળખું છું. અમે સાથે ખાધું છે અને ઘણી વાતો કરી છે અને ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનવો જોઈએ અને તેણે બોલિંગ કોચની ભૂમિકા માટે ઝહીર ખાન અથવા આશિષ નેહરા તરફ વિચાર કરવો જોઈએ. નોંધનીય છે કે, જો ગૌતમ ગંભીર મુખ્ય કોચ બનશે તો સહાયક કોચમાં પણ ફેરફાર જોવા મળશે.
શું નેહરા અને ઝહીર પાસે કોચિંગનો અનુભવ છે?
કામરાન અકમલે ઝહીર ખાન અને આશિષ નેહરાના નામ આપ્યા, પરંતુ BCCIએ તેમને બોલિંગ કોચ તરીકે કયા આધારે પસંદ કરવા તે એક મોટો પ્રશ્ન હશે. કોચિંગ અનુભવની વાત કરીએ તો, આશિષ નેહરાને પ્રથમ વખત 2018 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બોલિંગ કોચ તરીકે જોવામાં આવ્યો હતો. 2022 થી અત્યાર સુધી, નેહરા IPLમાં ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના મુખ્ય કોચ રહ્યો છે. બીજી તરફ, ઝહીર ખાનને કોચિંગનો વધુ અનુભવ નથી, પરંતુ 2017માં તેને ભારતીય ક્રિકેટ ટીમનો બોલિંગ કન્સલ્ટન્ટ બનાવવામાં આવ્યો હતો.
આશિષ નેહરા અને ઝહીર ખાનની કારકિર્દી
ઝહીર ખાને ભારત માટે 200 વનડે મેચોમાં 298 વિકેટ લીધી છે, જ્યારે 92 ટેસ્ટ મેચોમાં તેની 311 વિકેટ છે. આ સિવાય તેણે ભારત માટે 17 T20 મેચમાં એટલી જ વિકેટ લીધી છે. બીજી તરફ, આશિષ નેહરાએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું અને 120 ODI મેચમાં 157 વિકેટ લીધી. આ સિવાય તેણે 17 ટેસ્ટ મેચમાં 44 વિકેટ અને 27 T20 મેચમાં 34 વિકેટ પણ લીધી હતી.