અધિક મુખ્ય સચિવ બાદ આરોગ્યમંત્રી સાથેની ડોકટરોની બેઠક પણ નિષ્ફળ, ડોક્ટરોની હડતાળ યથાવત રહેશે
Doctors strike : પહેલા અધિક મુખ્ય સચિવ બાદ આરોગ્ય પ્રધાન સાથેની ડોક્ટરોની બેઠક પણ નિષ્ફળ રહેતા ડોક્ટરો પોતાની હડતાળ યથાવત રાખવાના મૂડમાં છે.
ગાંધીનગર : રાજ્યમાં હાલ સરકારી દવાખાનાઓમાં કાર્યરત સરકારી ડોક્ટરો વિવિધ માંગોને લઈને હડતાળ પર ઉતર્યા છે. ડોક્ટરોની હડતાળને કારણે એક બાજુ દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે, તો બીજી બાજુ ડોક્ટરો પણ આ મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. ડોક્ટરો પોતાની માંગને લઈને અધિક મુખ્ય સચિવને મળ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. આ બેઠક બિશ્ફ્ળ ગયા બાદ રાજ્યના આરોગ્ય પ્રધાને ડોક્ટરોને મળવા બોલાવ્યા હતા. જો કે પહેલા અધિક મુખ્ય સચિવ બાદ આરોગ્ય પ્રધાન સાથેની ડોક્ટરોની બેઠક પણ નિષ્ફળ રહેતા ડોક્ટરો પોતાની હડતાળ યથાવત રાખવાના મૂડમાં છે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ડોકટરોના પ્રશ્નોની માંગણીઓ અંગે સકારાત્મક અભિગમ દાખવીને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વના નિર્ણયો લીધા છે. ગરીબ નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ મળતી થાય અને અને મહામૂલી જિંદગી બચે આ માટે ડોક્ટરો તરત જ તેમની હડતાળ બંધ કરી ફરી દસેવામાં જોડાય જાય.
રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની વિગરો રજૂ કરતા અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે,તબીબોના NPPAની માંગણી સંદર્ભે સરકારે 1 જૂન 2019 થી 20 ટકા NPPA ચુકવણીનો નિર્ણય કર્યો છે. આ સાથે ડોકટરોને એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો આ મહિને જ બીજો હપ્તો ઓકટોબર-2022, ત્રીજો હપ્તો એપ્રિલ-2023 અને ,ચોથો હપ્તો ઓકટોબર-2023, પાંચમો હપ્તો એપ્રિલ-2024 ના રોજ ચૂકવવામાં આવશે.
ડોક્ટરોની હડતાલને પગલે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે રઝળી પડ્યાં
દાહોદ જિલ્લા સહિત રાજયમા ડોકટરોની હડતાલને લઈને અનેક દર્દઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દાહોદ સિવિલ ઝાયડસ હોસ્પિટલના પોસ્ટમોટમ રૂમમાં 4 મૃતદેહો રઝળી પડ્યા હતા. જેના કારણે મૃતકોના પરિજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઝાલોદ તાલુકાના થેરકા ગામના સંગાડા રાહુલનું ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જતાં મોત નીપજ્યું હતું. જેના મૃતદેહ ને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લવાયો હતો.
જો કે, અકસ્માતના 24 કલાક વીત્યા બાદ પણ મૃતદેહનું પોસ્ટમોર્ટમ ન થતા પરિજનો પોસ્ટમોર્ટમના રૂમ બહાર ડોક્ટરોની રાહ જોઈ બેઠા છે. ડોક્ટરની હડતાલના કારણે પરિજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ધાનપુર નજીકના 25 વર્ષીય હર્ષિલા સુરશીંગ બારીયા અને સિંગવડના ધામણબારી ગામના 35 વર્ષીય નયનાબેન રાજુભાઈની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં તેમનું સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું.