BANASKANTHA : બે દિવસ ભારે વરસાદને કારણે વાવના માડકા ગામમાં ઘરોમાં ઘુસ્યા વરસાદના પાણી, ખેતરો પણ તળાવ બન્યાં
Gujarat Rains : બનાસકાંઠાના સરહદી પંથક વાવ અને થરાદમાં બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈને થરાદ અને વાવમાં મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા હતા.
Banaskantha News : બનાસકાંઠાના સરહદી પંથક વાવ તાલુકાના માડકા ગામની અંદર ભારે પ્રમાણમાં વરસાદી પાણી ઘૂસી જતા ગામના રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને હાલાકી પડી રહી છે. ગામની શાળામાં પાણી ભરાતાં બે દિવસથી શાળા બંધ કરી દેવાઈ છે, તો ગામના ખેતરો બેટમાં ફેરવાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
વાવ અને થરાદમાં બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યો
બનાસકાંઠાના સરહદી પંથક વાવ અને થરાદમાં બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈને થરાદ અને વાવમાં મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા હતા અને ત્યાર બાદ પુષ્કળ પાણીને લઈને ખેતરોના કાચા બંધ પાળા તૂટતાં વાવના માડકા ગામ સહિત ભાચલી, ભાટવર,ડેડાવા ,કણોઠી સહિત અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘુસ્યા છે.
માડકા ગામમાં રસ્તાઓ પર ઢીંચણસમાં પાણી ભરાયા, ઘરોમાં ઘુસ્યા પાણી
વાવના માડકા ગામની સ્થતિ ખુબજ ભયાનક છે માડકા ગામના તમામ રસ્તાઓ ઉપર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ગામમાં રસ્તાઓ ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ જતા ગામના લોકોની મુશ્કેલીઓ વધી છે.
ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘુસી જતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો ગામના ખેતરો બેટમાં ફેરવતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જોકે છેલ્લા 3 દિવસથી ગામમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરતાં ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બે દિવસથી બંધ છે ગામની શાળા બંધ
તો બીજી બાજુ માડકા ગામની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલું તળાવ ગામમાં પાણી આવવાથી ઓવરફ્લો થતાં તળાવનું પાણી સ્કૂલમાં ઘુસી જતા સ્કૂલમાં જવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ગામની શાળા છેલ્લા 2 દિવસથી બંધ કરી દેતા 400 બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ છે.
ગામની હાઈસ્કૂલ બંધ રહેતા 300 બાળકોના અભ્યાસ ઉપર અસર પડી છે જોકે ગામની પ્રાથમિક શાળા કેટલા દિવસ બંધ રહશે તેને લઈને શાળામાં આચાર્ય મનહરદાન ગઢવીનું કહેવું છે કે જો વધુ વરસાદ પડે અને આગળથી પાણી આવે તો હજુ શાળા બંધ રાખવી પડે એવું છે જેથી શાળા કેટલા દિવસ બંધ રહે તે કહી ન શકાય.