PM મોદીએ શેર કર્યો સુષ્મા સ્વરાજ સાથે જોડાયેલો ભાવુક કિસ્સો, હીરા બા સાથેની મુલાકાત વાગોળી
PM Modi Facebook Post: પીએમ મોદીએ આ ભાવુક પોસ્ટમાં સુષ્મા સ્વરાજને યાદ કર્યા અને તેમની માતાએ સુષ્મા સાથે મુલાકાત બાદ પરિવારની એક બાળકીનું નામકરણ કર્યુ હતું.
PM Modi Sushma Swaraj: પીએમ મોદીએ પંજાબ ચૂંટણીને લઈને જલંધરમાં રેલીને સંબોધિત કરી. જેમાં તેમણે કહ્યું કે પંજાબમાં જનતા તેમને તક આપશે તો તેઓ બદલાવ કરીને બતાવશે. આ સાથે જ વિપક્ષી દળો પર પણ પ્રહાર કર્યો હતો. પરંતુ પરત ફરતી વખતે પીએમ મોદીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે સુષ્મા સ્વરાજ સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો.
સુષ્મા સ્વરાજ સાથે જોડાયેલો શું છે કિસ્સો
પીએમ મોદીએ આ ભાવુક પોસ્ટમાં સુષ્મા સ્વરાજને યાદ કર્યા અને જણાવ્યું કે કેવી રીતે તેમની માતાએ સુષ્માજીને મળ્યા બાદ પરિવારમાં એક બાળકીનું નામ રાખ્યું હતું. PMએ લખ્યું, "અત્યારે હું રેલી કરીને જલંધરથી પરત ફરી રહ્યો છું. આજે સુષ્માજીની જન્મજયંતિ છે. મને અચાનક તેમની સાથે જોડાયેલી એક ખૂબ જ જૂની ઘટના યાદ આવી ગઈ, તેથી તમારી સાથે શેર કરવાનું વિચાર્યું.
કેટલા વર્ષ પહેલાની છે ઘટના
પીએમ મોદીએ લખ્યું, લગભગ પચીસ વર્ષ પહેલાંની વાત હશે. જ્યારે હું ભાજપમાં સંગઠન માટે કામ કરતો હતો અને સુષ્માજી ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે હતા. તેઓ મારા વતન વડનગરમાં ગયા અને મારી માતાને પણ મળ્યા. તે સમયે અમારા પરિવારમાં મારા ભત્રીજાને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. જ્યોતિષીઓએ નક્ષત્ર જોઈને તેનું નામ શોધી કાઢ્યું અને પછી નામ નક્કી થયું. પરિવારના સભ્યોએ પણ નક્કી કર્યું હતું કે તેઓ કહેશે તેમ કરશે. પરંતુ સુષ્માજીને મળ્યા બાદ મારી માતાએ કહ્યું કે દીકરીનું નામ સુષ્મા રાખવામાં આવશે. મારી માતા બહુ ભણેલી નથી પણ તે વિચારોમાં ખૂબ જ આધુનિક છે અને મને યાદ છે કે તે સમયે તેમણે જે રીતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો તે આજે પણ મને યાદ છે. સુષ્માજીને આજે તેમની જન્મજયંતિ પર નમન.