સુરત ગ્રીષ્મા કેસઃ આરોપીને કોર્ટમાં જજે પૂછ્યું, "ગુન્હો કબૂલ છે?", પછી આરોપીએ શું કહ્યું?
ગ્રીષ્મા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટ માં ચલાવવામાં આવનાર છે ત્યારે પહેલા દિવસે હત્યારા ફેનીલને વીડિયો કોન્ફરન્સથી હાજર કર્યા બાદ આજે રૂબરૂ હાજર કરવામાં આવ્યો હતો.
સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટ માં ચલાવવામાં આવનાર છે ત્યારે પહેલા દિવસે હત્યારા ફેનીલને વીડિયો કોન્ફરન્સથી હાજર કર્યા બાદ આજે રૂબરૂ હાજર કરવામાં આવ્યો હતો. જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપ્યું છતાં ફેનિલે કોર્ટમાં ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલ વિરુદ્ધ આજે કોર્ટમાં ચાર્જફ્રેમ થઈ હતી.
હત્યારા ફેનીલને આજે કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. સુરતમાં કામરેજના પાસોદરામાં અનેક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફેનિલને કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ફેનિલના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ખેદ જણાયો નહતો. દરમિયાન કોર્ટમાં ફેનિલ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો હતો. જોકે, આરોપી ફેનિલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ ઝમીર શેખ દ્વારા ચાર્જશીટ વાંચવા માટેની મુદત માગી હતી.
સુરત જિલ્લા કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નિર્દયતાપૂર્વકની હત્યાનો વીડિયો વાઇરલ થતા પોલીસે આરોપી ફેનિલ ગોયાણીને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. પોલીસે માત્ર પાંચ દિવસમાં જ 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
જોકે આ ગ્રામ્ય કોર્ટનો કેસ ઝડપી ચાલે તે માટે આ કેસને સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જોકે ગતરોજ આ કેસમાં આરોપીને વીડિયો કોન્ફરન્સથી હાજર કરવામાં આવ્યા બાદ આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસને લઇને લોકોમાં રોષ હોવાને લઇને આરોપી ફેનિલ ગોયાણીને રજૂ કરતા પહેલા કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
બીજી તરફ સુરત કોર્ટમાં સોગંધનામું સાંભળ્યા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ તરીકે ઝમીર શેખે વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે અને તમામ સાક્ષીઓના તમામ નિવેદનો સહિતના પુરાવા ચેક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે.જોકે સરકાર તરફથી આ કેસનો નિકાલ આવે અને આરોપીને સજા મળે તે પ્રકારની તૈયારીઓ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. સૌ પ્રથમ મેડિકલ પુરાવા ચેક કરવામાં આવશે. જેમાં મરનાર યુવતીનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબો અને તેના મોટા પપ્પા અને ભાઈ પર હુમલો કરવા સમયે સારવાર કરનાર તબીબો સાથે સાથે વહેલી સારવાર કરનારા તબીબોને પણ જુબાની લેવામાં આવશે.