યુક્રેનના સૈન્ય અધિકારીનો ચોંકાવનારો દાવો, દેશના બે ટૂંકડા કરવા માગે છે રશિયા
યુક્રેન પર રશિયન સૈનિકોનો હુમલો આજે 32માં દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન, યુક્રેનના મિલિટરી ઈન્ટેલિજન્સ વડાએ દાવો કર્યો છે કે, રશિયા યુક્રેનને બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Russia Ukraine War: યુક્રેન પર રશિયન સૈનિકોનો હુમલો આજે 32માં દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન, યુક્રેનના મિલિટરી ઈન્ટેલિજન્સ વડાએ દાવો કર્યો છે કે, રશિયા યુક્રેનને બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, રશિયા આખા દેશ પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી તે મોસ્કો-નિયંત્રિત વિસ્તાર બનાવવા માટે યુક્રેનને બે ભાગમાં વહેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જનરલ કાયરલો બુડાનોવે કહ્યું કે, હકિકતમાં આ યુક્રેનમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા બનાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ પછીના વિભાજનનું અનુકરણ કરીને યુક્રેનને બે ભાગમાં વહેંચવા માગે છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે યુક્રેન ટૂંક સમયમાં જ રશિયાના કબજા હેઠળના વિસ્તારમાં ગેરિલા યુદ્ધ શરૂ કરશે.
યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ફાઇટર પ્લેન અને ટેન્ક આપવા વિનંતી કરી
તો બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે પશ્ચિમી દેશોમાં રશિયન હુમલાઓનો સામનો કરી રહેલા તેમના દેશને મદદ કરવામાં હિંમતનો અભાવ છે. ઝેલેન્સ્કીએ યુક્રેનને ફાઈટર પ્લેન અને ટેન્કો આપવા વિનંતી કરી છે. શનિવારે પોલેન્ડમાં યુએસ પ્રમુખ જો બાઈડન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશો પર પ્રહાર કર્યા હતા.
પશ્ચિમી દેશો હથિયાર આપવામાં વિલંબ કરી રહ્યા છે
તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો યુક્રેનને એરક્રાફ્ટ અને અન્ય સંરક્ષણ સાધનો આપવામાં વિલંબ કરી રહ્યા છે. બીજી તરફ રશિયન મિસાઈલ હુમલામાં નાગરિકો ફસાયા છે અને મોતને ભેટી રહ્યા છે. ઝેલેન્સ્કીએ શનિવારે સવારે મારીયુપોલ શહેરની ઘેરાબંધી તરફ ઈશાકો કરતા એક વીડિયો સંબોધન આપતા કહ્યું ,મે આજે મારિયાપોલમાં સૈનિકો સાથે વાત કરી. હું તેમની સાથે સતત સંપર્કમાં છું, તેમનો સંકલ્પ, બહાદુરી અને દ્રઢતા આશ્ચર્યજનક છે.
નોંધનિય છે કે, યુક્રેન પર રશિયાના આક્રમણને 32 દિવસ થઈ ગયા છે. રશિયાએ ઘણા વિસ્તારોમાં હુમલા બંધ કરી દીધા છે. રશિયન સેનાનું લક્ષ્ય રાજધાની કિવને વહેલી તકે ઘેરી લેવાનું છે. જોકે, આ સમય દરમિયાન તેણે યુક્રેન તરફથી જબરદસ્ત પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેનની સેના પણ અમેરિકા અને પશ્ચિમી દેશોની મદદથી રશિયન સેનાનો મજબૂતીથી સામનો કરી રહી છે. જો કે પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાયમાં ફાઈટર એરક્રાફ્ટનો સમાવેશ થતો નથી. નાટોની ચિંતાઓને કારણે યુ.એસ. દ્વારા પોલેન્ડના એરક્રાફ્ટ યુક્રેન મોકલવાનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે.