Ahmedabad: જુહાપુરામાંથી બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ-મરણનો દાખલો કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું, માત્ર 2000 રૂપિયામાં થતો હતો ખેલ
Ahmedabad Crime News: આ યુવાને 110 જેટલા લોકોને નકલી ડોકયુમેન્ટસ બનાવી આપ્યા હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Ahmedabad News Updates: અમદાવાદના જુહાપુરામાંથી રૂ.200થી 2 હજારમાં બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ-મરણનો દાખલો કાઢી આપવાનું કૌભાંડ પકડાયું છે. કોમ્પ્યુટર રિપેર કરતા યુવક પાસેથી 29 લોકોને નકલી દસ્તાવેજ બનાવી આપ્યાના પુરાવા સાઈબર ક્રાઈમને મળ્યા હતા. જુહાપુરા-ફતેવાડીના 110 લોકોને નકલી દસ્તાવેજ તૈયાર કરી આપ્યા હોવાની શંકા છે. બે આધાર કાર્ડ, 16 ચૂંટણી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.
શું છે મામલો
જુહાપુરા - ફતેવાડી વિસ્તારના લોકોને રૂ.200 થી 2 હજારમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ-મરણનો દાખલો સહિતના નકલી ડોકયુમેન્ટસ બનાવી આપવાનું કૌભાંડ પકડાયું છે. સાઈબર ક્રાઈમની ટીમે જુહાપુરામાં રહેતા અને ત્યાં જ કોમ્પ્યુટર રિપેરિંગ - સોફટવેરનું કામ કરતા યુવાનની ધરપકડ કરી હતી. તેના કોમ્પ્યુટરમાંથી 29 લોકોને નકલી ડોકયુમેન્ટસ બનાવી આપ્યા હોવાના પુરાવા મળ્યા છે. પરંતુ આ યુવાને 110 જેટલા લોકોને નકલી ડોકયુમેન્ટસ બનાવી આપ્યા હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
જુહાપુરા ફતેવાડી કેનાલ આરસીસી રોડ સૈયદનગરમાં રહેતો એજાજખાન પપ્પનખાન પઠાણ કોમ્પ્યુટર રિપેરિંગ તેમજ સોફટવેરનું કામ કરતો હતો. જ્યારે સ્થાનિક લોકોને લોન લેવાનું ફોર્મ, બેંક એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ તેમજ સરકારની સહાય માટેના ફોર્મ ભરી આપતો હતો. જ્યારે કેટલાકને તેણે નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ જન્મ-મરણનો દાખલા બનાવી આપ્યા હોવાની માહિતી સાઈબર ક્રાઈમને મળી હતી.
જેના આધારે સાઈબર ક્રાઈમના પીઆઈ જે.એચ.વાઘેલા એ દરોડો પાડયો હતો. દરમિયાનમાં તેના કોમ્પ્યુટરમાંથી નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ - મરણના દાખલા મળીને 29 ડોક્યુમેન્ટ બનાવ્યાના પુરાવા મળ્યા હતા. જેમાંથી 2 આધાર કાર્ડ, 16 ચૂંટણી કાર્ડ અને અમદાવાદ તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 જન્મ-મરણના દાખલાનો સમાવેશ થાય છે. જેના આધારે પોલીસે એજાજખાન પઠાણની ધરપકડ કરી હતી.
જન્મના દાખલામાં લાલને બદલે વાદળી કાગળ હતો
અમદાવાદ મ્યુનિ.કોર્પો. જે જન્મનો દાખલો આપે છે, તેમાં લાલ રંગના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એજાજખાન જન્મનો દાખલો વાદળી રંગના કાગળ ઉપર પ્રિન્ટ કરીને આપતો હતો. જો કે સરકારી કચેરીમાં ક્યાંય પણ આ દાખલો લઈ જવામાં આવે તો પ્રથમ દ્રષ્ટિએ જ ખોટો હોવાનું ફલિત થાય તેમ હતું. યુવકની ઓફિસમાંથી લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટર, પ્રિન્ટર મળીને કુલ રૂ.52,150 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે એજાજાખાન પઠાણની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, તે ઓન લાઈન 27 વેબ સાઈટ પરથી નકલી ડોક્યુમેન્ટ બનાવતો હતો. આટલું જ નહીં એજાજખાન પઠાણ કેટલાક યુ ટયુબરના સંપર્કમાં પણ હતો અને નકલી ડોક્યુમેન્ટસ બનાવવા માટે એજાજખાને તેમની પણ મદદ લીધી હતી. જેથી પોલીસે તેમની પણ તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે એજાજખાન 7 મહિનાથી નકલી ડોકયુમેન્ટસ બનાવતો હતો. જેમાં તેણે 110 ડોકયુમેન્ટસ બનાવ્યા છે. જો કે તે ડોકયુમેન્ટસના ઉપયોગ થી પાનકાર્ડ - પાસપોર્ટ બનાવવામાં આવ્યા છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી. જેના માટે નકલી ડોકયુમેન્ટસની યાદી પાસપોર્ટ ઓફિસ અને પાનકાર્ડ ઓફિસને મોકલી અપાશે. કેટલાક લોકોને પાનકાર્ડ બનાવી આપ્યા તેની પણ તપાસ શરૂ કરાઈ છે.
સાઈબર ક્રાઇમે આરોપીની ઓફિસમાં સર્ચ કરતા ત્યાંથી 30 ડુપ્લિકેટ લાઈટ બિલ પણ મળી આવ્યા હતા. જે પણ લોકોને લોન માટે ખૂટતા ડોક્યુમેન્ટની જરૂર હોય તેવા લોકો આ આરોપીનો સંપર્ક કરતા હતા અને તેમની પાસેથી જે તે નામ સરનામાના ખોટા ડોક્યુમેન્ટ મેળવતા હતા.