Gandhinagar: લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત ભાજપની 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક, અમિત શાહ રહી શકે છે હાજર, જાણો
આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે
Gandhinagar News: આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે આગામી 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રિ મંડળના સભ્યો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને લોકસભા ચૂંટણી માટે બનાવેલી કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે. ખાસ વાત છે કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રાજ્યના લોકોને ભગવાન રામના દર્શન કરાવવા માટે લઇ જવાનું ખાસ આયોજન પણ કરાશે. વિવિધ કમિટીની કામગીરી સંદર્ભે જીણવટભર્યુ આયોજન કરાશે, સરકારી યોજનાના લાભાર્થી અને એક-એક નાગરિક સુધી પહોંચવા ખાસ આયોજન કરાશે. આ મહત્વની બેઠક ગાંધીનગરના પથિકાશ્રમ, કમલમ અથવા મુખ્યમંત્રી નિવાસ્થાને મળી શકે છે.
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા શું છે CR Patil નો માસ્ટર પ્લાન?
ગુજરાત લોકસભાની 26 બેઠકો જંગી બહુમતિ થી જીતવા ભાજપની રણનીતિ. ભાજપના વરિષ્ઠ આગેવાનો અને પૂર્વ મંત્રીઓને બેઠકોની સોંપાઈ જવાબદારી. કિસાન મોરચાના નેતા બાબુભાઇ જેબલીયાને મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકની જવાબદારી કે સી પટેલને સોંપાઈ. કચ્છ, બનાસકાંઠા અને પાટણ બેઠકની જવાબદારી ધારાસભ્ય અમિત ઠાકરને અપાઈ. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ બેઠકની જવાબદારી. મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડ્યા ને બારડોલી, સુરત, વલસાડ અને નવસારીની જવાબદારી. પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલી બેઠકની જવાબદારી. રાજકોટ, પોરબંદર અને જામનગર બેઠકની જવાબદારી પૂર્વ મંત્રી આર સી ફળદુ ને સોંપાઈ. દાહોદ, ખેડા, પંચમહાલ અને આણંદ બેઠકની જવાબદારી સાંસદ નરહરિ અમીનને સોંપાઈ. આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક . થોડા દિવસ અગાઉ પ્રદેશ હોદ્દેદ્દારો ની બેઠક અને પ્રદેશ કારોબારીમાં થઇ હતી ચર્ચા. પ્રદેશ હોદ્દેદ્દારોની બેઠકમાં લેવાયો હતો નિર્ણય.