પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ, વિપક્ષે ગરીબો અને ખેડૂતોના મુદ્દે સરકારને ભીંસમાં લીધી.

State government aircraft expenses: રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકારી માલિકીના વિમાન અને હેલિકોપ્ટરની જાળવણી અને સંચાલન પાછળ અધધ ખર્ચ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જનતાની કમાણીના કુલ ₹.61,97,63,462 (અંદાજે 61 કરોડ 97 લાખ રૂપિયા)નો ખર્ચ વિમાનના ભાડા, પાર્કિંગ, પાયલોટના પગાર અને મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ, 01 ફેબ્રુઆરી 2023 થી 31 ફેબ્રુઆરી 2024 સુધીમાં ₹.23,38,89,452 (23 કરોડ 38 લાખ રૂપિયા)નો ખર્ચ થયો હતો. જ્યારે, 01 ફેબ્રુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2025 સુધીના સમયગાળામાં આ ખર્ચ વધીને ₹.38,58,74,010 (38 કરોડ 58 લાખ રૂપિયા) સુધી પહોંચ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે આ ખર્ચ હેલિકોપ્ટરના મેન્ટેનન્સ, પાર્કિંગ, ભાડું, પાયલોટ અને અન્ય સ્ટાફ પાછળ કરવામાં આવ્યો છે. આ માહિતી દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે ગૃહમાં રજૂ કરી હતી.
સરકાર દ્વારા કરવામાં આવેલા આ ખર્ચને લઈને વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ હેલિકોપ્ટરની ખરીદી અંગે પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે સરકારે હેલિકોપ્ટર ખરીદી માટે ₹.61,97,64,422 રૂપિયા ફાળવ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ ગામડામાં વસતા ગરીબ લોકો ઘર અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ માટે માંગ કરી રહ્યા છે, ગરીબો સારી શાળાઓની માંગ કરી રહ્યા છે, ત્યારે સરકાર આ રીતે પ્રજાના પૈસાનો દુર્વ્યય કરી રહી છે, જેના કારણે જનતા સરકારના તાગડધિન્ના અંગે પ્રશ્નો ઉઠાવી રહી છે.
આ ઉપરાંત, કોંગ્રેસના અન્ય ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ સરકાર દ્વારા નવા વિમાનની ખરીદી માટે કરવામાં આવેલા ખર્ચ અંગે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે નવા વિમાનની ખરીદી માટે ₹.197,90,22,366 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અંગે વિમલ ચૂડાસમાએ આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર પાસે વિમાન ખરીદવા માટે નાણાં છે, પરંતુ રાજ્યના ખેડૂતો અને યુવાનો માટે ખર્ચ કરવા માટે નાણાં નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને દેવા માફી માટે સરકાર પાસે નાણાં નથી. યુવાનો રોજગારી માટે તલસી રહ્યા છે, પરંતુ તેમના માટે રોજગારીના અવસરો ઊભા કરવા માટે નાણાં નથી. માછીમારોને સબસિડી આપવા માટે કે લોન આપવા માટે સરકાર પાસે નાણાં નથી, પરંતુ વિમાન ખરીદવા માટે કરોડો રૂપિયા ઉપલબ્ધ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારને લોકોની સુવિધા અને જરૂરિયાતોની કોઈ પરવા નથી.
આમ, રાજ્ય સરકાર દ્વારા વિમાન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો અને વિપક્ષે સરકારની નીતિઓ પર આકરા પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
