શું ગુજરાત સરકાર જંત્રીમાં કરશે જંગી વધારો? નાણાંપંચે કરી છે મહત્વની ભલામણ
Jantri rate revision Gujarat: જંત્રી વધવાથી વિકાસના કામોને મળશે વેગ, કરવેરા વહેંચણીમાં પણ ફેરફારની ભલામણ.

Gujarat Panchayat News: વિધાનસભામાં રજૂ થયેલા ચોથા નાણાં પંચના વચગાળાના અહેવાલમાં પંચાયતી રાજની સંસ્થાઓ માટે એક મહત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી છે. નાણાં પંચે રાજ્ય સરકારને જંત્રીના દરમાં સુધારો કરવાની ભલામણ કરી છે. નાણાં પંચનું માનવું છે કે જંત્રીના દરમાં વધારો થવાથી પંચાયતી રાજની સંસ્થાઓની મહેસુલી આવકમાં નોંધપાત્ર વધારો થશે. આ વધેલી આવકનો ઉપયોગ ગ્રામ્ય સ્તરે વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ અને માળખાગત સુવિધાઓને વધુ સારી બનાવવા માટે થઈ શકશે. પંચે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જંત્રીના દરમાં સુધારો કરવાથી પંચાયતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે અને વિકાસના કાર્યોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકશે.
આ ઉપરાંત, નાણાં પંચે પંચાયતી રાજ સંસ્થાઓ માટે સંશોધિત કરવેરા વહેંચણીની પણ ભલામણ કરી છે. આ ભલામણનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પંચાયતોને તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય પ્રમાણમાં કરવેરાની આવક પ્રાપ્ત થાય, જેથી તેઓ સ્વતંત્ર રીતે પોતાના વિકાસના કાર્યોનું આયોજન અને અમલીકરણ કરી શકે.
રાજ્યમાં સૂચિત નવી જંત્રીની જાહેરાત ગૂંચમાં પડી
ગુજરાતમાં આગામી 1લી એપ્રિલથી નવી જંત્રી અમલમાં લાવવાની રાજ્ય સરકારની તૈયારીઓ હાલ પૂરતી અટકી ગઈ છે. કેટલીક વહીવટી અને રાજકીય બાબતોના કારણે નવી જંત્રીની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ જાહેરાત 15મી એપ્રિલ બાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી જંત્રી અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી સ્તરે પેન્ડિંગ છે. સરકાર દ્વારા ડ્રાફ્ટ જંત્રી જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાંથી અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. આ વાંધા સૂચનોમાં સૌથી વધુ એટલે કે 6 હજારથી વધુ સૂચનો જંત્રીના દર ઘટાડવા માટેના છે, જ્યારે લગભગ 1700 જેટલા સૂચનો જંત્રીના દર વધારવા માટે સરકારને મળ્યા છે. આ મોટી સંખ્યામાં મળેલા વાંધા સૂચનોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પુનઃ વિચારણા કરવામાં આવી રહી હોવાનું મનાય છે.
સરકાર દ્વારા 1લી એપ્રિલથી નવી જંત્રી અમલમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને તેને લઈને મોટાપાયે કામગીરી પણ ચાલી રહી હતી. પરંતુ છેલ્લી ઘડીએ કેટલીક અણધારી મુશ્કેલીઓ સામે આવતા આ યોજનાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. હવે એવી શક્યતા છે કે તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ 15મી એપ્રિલ પછી નવી જંત્રી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
નવી જંત્રીના દરને લઈને લોકોમાં અને ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જંત્રીના દરમાં સંભવિત વધારાને લઈને અનેક અટકળો પણ વહેતી થઈ છે. ત્યારે સરકાર દ્વારા જાહેરાતમાં વિલંબ થવાના કારણે આ અંગેની અટકળો વધુ તેજ બની છે. હવે સૌની નજર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે કે નવી જંત્રી ક્યારે અમલમાં આવશે અને તેના દર કેવા હશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
