IPL 2023ના 10 ખાસ રેકોર્ડ, જે આઇપીએલ ઇતિહાસમાં ક્યારેય નથી બન્યા, જુઓ લિસ્ટ....
ગુજરાત તરફથી મળેલા 171 રનના લક્ષ્યાંકને (ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે) ચેન્નાઇની ટીમે 15 ઓવરમાં 5 વિકેટના નુકશાને પુરો કરી લીધો હતો, આ ફાઇનલમાં ચેન્નાઇની ટીમે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી.
IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન પૂર્ણ થઇ ચૂકી છે, ગઇકાલે ચેન્નાઇ અને ગુજરાત વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઇએ શાનદાર જીત હાંસલ કરી છે. આ જીતી સાથે જ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે 5મી વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત તરફથી મળેલા 171 રનના લક્ષ્યાંકને (ડકવર્થ લૂઇસ નિયમ પ્રમાણે) ચેન્નાઇની ટીમે 15 ઓવરમાં 5 વિકેટના નુકશાને પુરો કરી લીધો હતો, આ ફાઇનલમાં ચેન્નાઇની ટીમે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે આઇપીએલની આ 16મી સિઝનમાં કેટલાક એવા રેકેર્ડ બન્યા છે, જે આઇપીએલ ઇતિહાસમાં ક્યારેય નથી બની શક્યા. જાણો અહીં એવા ટૉપ 10 મૉસ્ટ વેલ્યૂએબલ રેકોર્ડ્સ....
* IPL 2023ના 10 ખાસ રેકોર્ડ -
1. IPLના ઈતિહાસમાં પહેલીવાર એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બન્યો હતો. આ સિઝનમાં 1124 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં 1062 છગ્ગા જોવા મળ્યા હતા.
2. IPL 2023માં ચોગ્ગાનો રેકોર્ડ પણ બન્યો હતો. આ સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા જોવા મળ્યા હતા. આ વર્ષે કુલ 2174 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં આ રેકોર્ડ 2018 ચોગ્ગાનો હતો.
3. IPLની 16મી સિઝનમાં સદીનો રેકોર્ડ પણ બન્યો હતો. આ વખતે IPLમાં બેટ્સમેનોએ 12 સદી ફટકારી હતી. સૌથી વધુ સદી આ વખતે એક સિઝનમાં જોવા મળી હતી. વર્ષ 2022માં 8 સદી ફટકારવામાં આવી હતી.
4. IPLની એક સિઝનમાં આ વખતે સૌથી વધુ ફિફ્ટી પણ જોવા મળી હતી. IPL 2023માં બેટ્સમેનોએ 153 વખત 50થી વધુ રન ફટકાર્યા હતા. વર્ષ 2022માં આવું માત્ર 118 વખત થયું હતું.
5. એક સિઝનમાં સૌથી વધુ 200 રનથી વધુનું ટોટલ બનાવવામાં આવ્યું હતું. આ સિઝનમાં કુલ 37 વખત 200થી વધુ ટોટલ બન્યા હતા. વર્ષ 2022માં કુલ 200 પ્લસ માત્ર 18 વખત કરવામાં આવ્યા હતા.
6. IPLની 16મી સિઝનમાં ફર્સ્ટ ઇનિંગનો સરેરાશ સ્કોર 183 હતો, જે IPLની કોઈપણ સિઝનમાં સૌથી વધુ છે. વર્ષ 2018માં સરેરાશ સ્કોર 172 હતો.
7. રન રેટના મામલે પણ આ સિઝન ટોપ પર રહી હતી. IPL 2023માં બેટ્સમેનોએ પ્રતિ ઓવર 8.99 રનની ઝડપે બેટિંગ કરી હતી. વર્ષ 2018નો સર્વશ્રેષ્ઠ 8.65 રન પ્રતિ ઓવર હતો.
8. IPL 2023માં 200 કે તેથી વધુ રનના લક્ષ્યનો પીછો મહત્તમ વખત કરવામાં આવ્યો હતો. IPLમાં 8 વખત ટીમોએ 200 કે તેથી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. વર્ષ 2014માં આવું એક સિઝનમાં માત્ર ત્રણ વખત થયું હતું.
9. IPLની એક સિઝનમાં એક જ ટીમના ત્રણ બોલરોએ 25 કે તેથી વધુ વિકેટો મેળવી હતી. આ લીગના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમી, મોહિત શર્મા અને રાશિદ ખાને આવું કર્યું હતું.
10. IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ અને પ્રભસિમરન સિંહે IPLની 16મી સિઝનમાં આ કારનામું કર્યું હતું.