Navsari: સી.આર પાટીલે 24 કલાક બાદ દરિયામાંથી જીવિત મળેલા કિશોરને મળી પૂછ્યા ખબર અંતર
નોંધનીય છે કે સુરતના ડુમસના દરિયામાં ન્હાવા પડેલા લખન નામના કિશોરને દરિયો ખેંચી ગયો હતો
નવસારીઃ સુરતના દરિયામાં ડૂબી ગયાના 24 કલાક બાદ જીવિત મળી આવેલા એક કિશોરને મળવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સીઆર પાટીલે નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કિશોરના ખબર અંતર પૂછ્યા હતા. સાંસદ સી.આર પાટીલે કહ્યું હતું કે, હવે બચી ગયો છે તો જીવનમાં કંઈક બનજે, ડોક્ટર બનીને અન્ય લોકોના પણ જીવ બચાવજે.
14 વર્ષનો લખન દેવીપૂજક શુક્રવારે મિત્રો સાથે ડુમસનાં દરિયાનાં ન્હાતી વખતે તણાઇ ગયો હતો, દરિયામાં લખનનાં હાથમાં એક લાકડું આવી જતા એ લાકડાનાં સહારે દરિયામાં તરતો રહ્યો અને 24 કલાક બાદ ગણદેવીનાં ભાટગામનાં દરિયામાંથી સલામત રીતે મળી આવ્યો.
— C R Paatil (@CRPaatil) October 1, 2023
આજે લખનની હોસ્પિટલમાં મુલાકાત લીધી, એની… pic.twitter.com/FojjIixaoY
નોંધનીય છે કે સુરતના ડુમસના દરિયામાં ન્હાવા પડેલા લખન નામના કિશોરને દરિયો ખેંચી ગયો હતો. જેને પગલે ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓએ તેને શોધવા માટે ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે 24 કલાક બાદ માછીમારોને કિશોર મળી આવ્યો હતો. જેથી તેનો જીવ બચ્યો હતો. દરિયાના પાણીમાં 24 કલાક સુધી જીવિત રહેનાર લખનને ધોલાઇ બંદરથી સીધા જ નવસારીની ખાનગી નિરાલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નવસારી સામાજિક કાર્યક્રમમાં આવેલા સાંસદ સી આર પાટીલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સીધા નિરાલી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં કિશોર સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુરતના ગોડાદરા સ્થિત આસપાસ નજીક રહેતા વિકાસ લાભુના બે દીકરા લખન, કરણ અને દીકરી અંજલિ તેમની દાદી સવિતાબેન સાથે 29 સપ્ટેમ્બરના રોજ સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત અંબાજી મંદિરે દર્શને ગયાં હતાં. જ્યાંથી દાદી ત્રણેય બાળકોને લઈ ડુમ્મસના દરિયા કિનારે ફરવા લઈ ગયાં હતાં. દરિયા કિનારે પહોંચતાં જ 14 વર્ષીય લખન અને 11 વર્ષીય કરણ દરિયામાં ન્હાવા પડ્યા હતા, પરંતુ દરિયામાં ભરતી શરૂ થતાં લખન અને કરણ બંને ભાઈઓ દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. જેમાં નજીકમાં ઊભેલા લોકોએ કરણનો હાથ પકડી બચાવી લીધો હતો પણ લખન દરિયાનાં મોજાંમાં ખેંચાઈને ગુમ થઇ ગયો હતો.
દરમિયાન નવસારીના ભાટ ગામના માછીમાર રસિક ટંડેલ તેમની 7 ખલાસીઓની ટીમ સાથે 5 દિવસોથી દરિયો ખેડી રહ્યા હતા. રસિક ટંડેલની બોટ શનિવારે બપોરે નવસારીના કિનારેથી 18 નોટિકલ માઈલ એટલે કે અંદાજિત 22 કિમી અંદર હતી, ત્યારે વિસર્જિત ગણેશજીની પ્રતિમાના અવશેષ ઉપર કોઈક બાળક બેઠો હોય તેવું જોવા મળ્યું હતું અને તે મદદ માટે હાથ કરી રહ્યો હતો. રસિકે તેમની બોટ વિસર્જિત ગણપતિની પ્રતિમાના અવશેષ પર બેઠેલા લખન નજીક લઈ ગયા, તેમને દોરડાની મદદથી બચાવી લીધો હતો. બાદમાં લખન મળ્યાની જાણ મરીન પોલીસને કરવામાં આવી હતી. બાદમાં લખનને ધોલાઇ બંદરે લાવવામાં આવ્યો હતો.ત્યાંથી તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.