Surat Crime News: પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે 46 લોકો સાથે છેતરપિંડી આચનારો ફિલ્મ પ્રોડ્યુસર પત્નીનો બર્થ ડે ઉજવવા આવ્યો ને.....
Surat News: ડોરબેલ વગાડતા પ્રદીપની પત્નીએ દરવાજો ખોલ્યો તે સાથે તેમને શુભકામના પાઠવી ઇકો સેલની ટીમ અંદર ઘુસી ગઈ હતી અને થોડી આનાકાની બાદ પોતાની ઓળખ છતી કરી પ્રદીપને ઝડપી લીધો હતો.
Surat News: સુરતમાં પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે 46 લોકો સાથે 3.74 કરોડની ચીટિંગ કરવા મામલે ઇકો સેલ પોલીસે ગુજરાતી, પંજાબી તેમજ મરાઠી ફિલ્મોનો પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુકલાની ધરપકડ કરી છે. એક વર્ષથી મુંબઇ અને અમદાવાદ ભાગતો ફરતો હતો. પત્નીનો બર્થડે ઉજવવા આવતા જ પોલીસે ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ ગુનામાં અત્યાર સુધી 5 આરોપી ઝડપાયા છે, જ્યારે પ્રદીપનો પાર્ટનર ધનંજય હજુ ફરાર છે.
રોકાણની સામે મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની સ્કીમોમાં રોકાણ કરાવી ઉઠમણું કરનાર વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રોસીયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીના અધ્યક્ષની ઈકો સેલે તે પત્નીની બર્થડે હોય ઉજવણી માટે પાલના કિનાર હાઈટસ સ્થિત ઘરે આવ્યો હતો ત્યારે ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે રોકાણકારોના પૈસામાંથી જ ત્રણ ગુજરાતી ફિલ્મ સહિત પાંચ ફિલ્મ પ્રોડયુસ કરનાર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ સવા વર્ષથી ફરાર હતો.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત એબ્રોસીયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતી શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીએ પોતાની મની ફાઉન્ડર સ્કીમમાં રોકાણની સામે મહિને 4 ટકાથી લઈને 22 ટકા સુધીના વળતરની લાલચ આપી રોકાણ કરાવી બાદમાં સેબીની રેઈડ પડયા બાદ ઉઠમણું કરતા તાડવાડીની મહિલા, પરિવારજનો અને અન્યોના રૂ.65 લાખ ફસાયાની ફરિયાદ શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝના પ્રદીપ શુકુલ ઉર્ફે મુન્ના શુકુલ, ધનંજય ભીખુભાઈ બારડ, દેવેશ સુરેન્દ્ર તિવારી, સંદીપકુમાર મનુભાઈ પટેલ, વિમલ ઈશ્વરભાઈ પંચાલ, મયુર ઘનશ્યામભાઈ નાવડીયા, હેપ્પી કિશોરભાઈ કાનાણી વિરૂદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જાન્યુઆરી 2023 માં નોંધાઈ હતી.આ ગુનાની તપાસ કરી રહેલા ઈકો સેલે તે પૈકી મહિલા ડાયરેક્ટર હેપ્પી કાનાણી, મયુર નાવડીયા અને વિમલ પંચાલની ધરપકડ કરી હતી.જયારે ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ કંપનીના બે ડાયરેક્ટર દેવેશ સુરેન્દ્ર તિવારી અને સંદીપકુમાર મનુભાઈ પટેલની ઈકો સેલે ધરપકડ કરી હતી.
ગુનો નોંધાયા બાદ ફરાર શુકુલ વેલ્થ ક્રિએટર કંપનીનો અધ્યક્ષ પ્રદીપ ઉર્ફે મુન્ના વિદ્યાધર શુકુલ બાગબાન સર્કલ પાસે ગ્રીનસીટી રોડ કિનાર હાઈટસ ફલેટ નં.બી/202 માં હાલ રહેતી પત્ની સોનુનો ગતરોજ બર્થડે હોવાથી તેની ઉજવણી કરવા અને શુભકામના આપવા આવ્યો છે તેવી બાતમી એએસઆઈ સાગર પ્રધાનને મળી હતી.તેના આધારે ઈકો સેલની ટીમ પણ પોતાની ઓળખ નહીં થાય તે માટે હાથમાં ગીફ્ટ લઈને તેના ઘરે પહોંચી હતી.ડોરબેલ વગાડતા પ્રદીપની પત્નીએ દરવાજો ખોલ્યો તે સાથે તેમને શુભકામના પાઠવી ઇકો સેલની ટીમ અંદર ઘુસી ગઈ હતી અને થોડી આનાકાની બાદ પોતાની ઓળખ છતી કરી પ્રદીપને ઝડપી લીધો હતો.પ્રદીપ અત્યાર સુધી અમદાવાદ અને મુંબઈમાં ફરતો રહેતો હતો અને ગતરોજ પત્નીને શુભકામના પાઠવી અમદાવાદ જવાનો હતો.પરંતુ ટ્રેનની ટિકિટ કન્ફ્રર્મ નહીં થતા તે રોકાયો હતો અને ઝડપાઈ ગયો હતો.